ઉગ્યો છે મારામાં વડલો.

રાતીચટ્ટાક મારી ગુલમ્હોરી ઓઢણી ને એનો છે લીલોછમ ડગલો
ઉગ્યો છે મારામાં વડલો.

ડાહ્યા મનેખ કહે સાચવજે ભોળી આ વડલાના જોર હોય જાજા
ખાતર , ના માટી ,ના પાણી, ના માળી ને તોય રહે મૂળ એના તાજા

તારામાં તારાથી આગળ વધીને તને છેડ્યા કરશે રે આછકલો
ઉગ્યો છે મારામાં વડલો.

હું યે સજાગ હતી ખોળ્યું તો જાણ્યું કે આ તો છે અંદરની હું
વડલાનો વેશ લઇ મારામાં ઊગી ને મારામાં થઇ ગઇ રે છૂ

મનના તોફાન બધા આઘેથી જોવાનો મારગ સમજાયો છે વચલો
ઉગ્યો છે મારામાં વડલો.

ફૂટી છે રોમરોમ સમજણની વડવાયું ફૂટ્યાં છે સમતાનાં પાંદ
ઉગમણી ડાળીએ આશાનો સૂરજ ને આથમણે ધીરજનો ચાંદ

શ્રદ્ધાના ટેટાંને હળવેથી ખોલ્યો ત્યાં આહાહા… બીજ તણો ઢગલો
ઉગ્યો છે મારામાં વડલો.

— પારુલ ખખ્ખર

( મારા ઘર સામેના ગુલમ્હોરમાં ઉગેલ વડલાનું ગીત)

vadalo

About Parul Khakhar

poet, writer

Posted on August 30, 2017, in ગુજરાતી ગીત. Bookmark the permalink. Leave a comment.

Leave a comment