કથા

વળાંક,ઠેસ,કાંકરા અને પ્રવાસની કથા,
નથી વિરામ પામતી પ્રલંબ રાસની કથા.

હવાને મંત્રમુગ્ધ જે કરી શકે છે નૃત્યથી,
એ વાટ રાતભર લખી શકે ઉજાસની કથા.

સમગ્ર વાનગીને ચાર ચાંદ જે લગાડતા,
કહું છું એ બધા ચટાકેદાર શ્વાસની કથા.

નિઃશબ્દતાની રાખ તાપણે વળી છે ધ્યાન દે,
લગાવ ફૂંક છંદની, જગાડ પ્રાસની કથા.

ગલી એ સાંકડી, તમારુ કદ અને અહમ્ બડો,
જનાબ એટલી હતી દીવાનેખાસની કથા.

— પારુલ ખખ્ખર

Advertisements

ઉતારી દઉં

કહો તો એક ક્ષણમાં આ બધા વળગણ ઉતારી દઉં,
ઉછીના વસ્ત્ર જેવું સામટું ભવરણ ઉતારી દઉં.

તમારા એક સાદે રાખમાંથી થઇ શકું બેઠી,
કબરમાં હોઉં તો પથ્થર અને ખાંપણ ઉતારી દઉં.

તમે મળતા નથી તેથી જ આ અગ્નિ નથી ઠરતો,
મળો તો અબઘડી ફરિયાદના આંધણ ઉતારી દઉં.

ગમે છે એટલે તો સાચવ્યા છે સ્પર્શના જાદૂ,
નહીંતર એક ફૂંકે ભલભલા કામણ ઉતારી દઉં.

અડાબીડ શ્વાસના જંગલ વચાળે નામ રોપીને,
પછી એ નામ પરથી સેંકડો સગપણ ઉતારી દઉ.

— પારુલ ખખ્ખર

જેવી છું સજન

મ્હેંકતી ગુલ્લાબજળની છાંટ જેવી છું સજન,
આવ પાસે બેસ, ગંગાઘાટ જેવી છું સજન.

ઝળહળાવી ના શકું દીવાનખાનાને છતાં,
ગોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન.

જો તને હો થાક મબલખ, ને વિસામાની કદર,
તો ઘુઘરિયાળી હિંડોળાખાટ જેવી છું સજન.

કેમ જોડી જામશે તું કિંમતી રેશમ સમો,
હું તો ખરબચડી ને માદરપાટ જેવી છું સજન.

ફક્ત તારા નામના સિક્કા પડે, સોદા પડે,
એ નગરમાં એક નમણી હાટ જેવી છું સજન.

ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહેને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?

હું જ અંદર જળકમળવત્ ,હું અંદર જોગણી,
બ્હારથી હું રુપ-રસની ફાંટ જેવી છું સજન.

— પારુલ ખખ્ખર

જેવું લાગશે

દૂરથી ‘હોવું’ બરફની પાટ જેવું લાગશે,
આવ, ડૂબકી માર ગંગાઘાટ જેવું લાગશે.

શ્વાસના આવાગમનની દોર પર ઝુલ્યા કરો,
અંખ મીંચી લો, હિંડોળાખાટ જેવું લાગશે.

ભૂલથી પણ જાતની કિંમત થશે જાહેર તો,
આયખું ઊભી બજારે હાટ જેવું લાગશે.

જીતવાનો અર્થ બન્નેના મતે જુદો થશે,
એ જ સગપણ, એ પછી ચોપાટ જેવું લાગશે.

ઊંજતા રહેજો તમે ‘પારુલ’ નહીંતર એ સ્મરણ,
બંધ તાળાને ચડેલા કાટ જેવું લાગશે.

— પારુલ ખખ્ખર

વહી જશે

દોડવામાં,થાકવામાં,હાંફવામાં વહી જશે,
ને સમય અંતે નિસાસા નાંખવામાં વહી જશે.

જાત માટે વાપરો તો શક્ય છે સુધરી શકો,
આ બધી ગાળો બીજાને ભાંડવામાં વહી જશે.

છે હજુંયે તક દિવાલોને બનાવો ઘર તમે,
આવડત નહિતર દિવાલો લાંઘવામાં વહી જશે.

જો ધરાથી સ્હેજપણ અળગા થયાં તો જાણજો,
આયખુ ઊંચા મિનારા આંબવામાં વહી જશે.

કાં કવિતા છોડ ‘પારુલ’,કાં ઉઠાવી લે કલમ,
કિંમતી વર્ષો હથેળી વાંચવામાં વહી જશે.

—પારુલ ખખ્ખર