ગુલાબીની વ્યથા-કથા

જળની ઝાકમઝોળ વચાળે જીવલો બઉં મૂંઝાય… ગુલાબી શું કરીએ?

ખારીખારી નદિયુ કાંઠા તોડીને વઈ જાય… ગુલાબી શું કરીએ?

તારા ગઢમાં સોના-રૂપા-હીરાની ક્યાં ખોટ… ગુલાબી

તારા ધસમસ દરિયે ખમ્મા કદી ન આવી ઓટ… ગુલાબી

તોય થોરની લાળ સમું કૈં ઝીણેરું લવકાય… ગુલાબી શું કરીએ?

ખારીખારી નદિયુ કાંઠા તોડીને વઈ જાય… ગુલાબી શું કરીએ?

જપ-તપ-ભૂવા-માદળીયાના કૈક કર્યા કમઠાણ… ગુલાબી

નગરધણીને આંગણ તોયે ચપટી માટી તાણ… ગુલાબી

નછોરવી આ કાયા તીણી નજર્યુથી વીંધાય… ગુલાબી શું કરીએ?

ખારીખારી નદિયુ કાંઠા તોડીને વઈ જાય… ગુલાબી શું કરીએ?

શીશ નમાવી, પાય પડું છું રાખો મારું માન… ગુલાબી

નાનકડી બે પગલી હાટુ ફરી જોડીએ જાન… ગુલાબી

રાત પડે ને હાલરડાના સૂર મને સંભળાય… ગુલાબી શું કરીએ?

ખારીખારી નદિયુ કાંઠા તોડીને વઈ જાય… ગુલાબી શું કરીએ?

તમથી અદકા જાગે અમને બેટડિયાના કોડ… રૂપાળી

જાન જોડીએ પાર ન આવે એવી મોટી ખોડ… રૂપાળી

વાત પડે જો બા’ર તો સીધી ચોરે જઈ ચર્ચાય… રૂપાળી શું કરીએ?

જળની ઝાકમઝોળ વચાળે જીવલો બઉં મૂંઝાય… રૂપાળી શું કરીએ?

સત્યવતીએ જેમ ઉગાડ્યા વંશવેલને પાન… રૂપાળી

વેદવ્યાસનું ધ્યાન ધરીને એમ મળે વરદાન… રૂપાળી

કાઠા થઈને હામ ભરો તો મોટા ઘર સચવાય… રૂપાળી શું કરીએ?

જળની ઝાકમઝોળ વચાળે જીવલો બઉં મૂંઝાય… રૂપાળી શું કરીએ?

*ગુલાબી=પતિ માટેનું પ્રેમભર્યું સંબોધન

About Parul Khakhar

poet, writer

Posted on January 27, 2021, in ગુજરાતી ગીત. Bookmark the permalink. Leave a comment.

Leave a comment