My e-books

  1. ) મિત્રો…. અમે અગિયાર મિત્રોએ એક સહિયારો ગઝલસંગ્રહ તૈયાર કર્યો છે. જો આપ આ સંગ્રહની કવિતાઓ વાંચવા ઇચ્છતા હો…તો આ લીંક પરથી આપના સેલફોનમાં ડાઉનલોડ કરી શકો છો.

‘lai ne agiyar mi disha’ –gazal sangrah

અને જો અહીંયા જ વાંચવા ઇચ્છતા હો..તો આ રહી મારી કવિતાઓ.

પરિચય
======
મશહૂર પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમે જ્યારે આત્મકથા લખવાની વાત મિત્ર ખુશવંતસીંઘને કરી ત્યારે એમણે કહ્યું કે તારી આત્મકથામાં હોય, હોય ને હોય શું? એ તો રેવન્યુ સ્ટેમ્પની પાછળની બાજુ જેટલી જગ્યામાં લખી શકાય.

મને જ્યારે મારી ગઝલયાત્રા વિશે લખવાનું કહેવામાં આવ્યું ત્યારે મને આ કિસ્સો યાદ આવી ગયો.યાત્રા વિશે તો ત્યારે લખી શકાય જ્યારે ક્યાંક પહોંચાયું હોય. મેં તો હજું એક પગલું જ ઉપાડ્યું છે તેથી હું બહુ બહુ તો પ્રથમ પગલાં વિશે કહી શકું.

નાનપણથી વાંચનનો ખોબ જ શોખ. કંઇ ન મળે તો છેવટે ગુજરાતી-હિંદીનાં પાઠ્ય પુસ્તકો વાંચતી રહું.લખવાનું તો પંદર વર્ષની વયે શરુ થયું ૫-૧૫ રચનાઓ લખાઇ, પગલું ઉપડતા ઉપડતા રહી ગયું.૧૯ મા વરસે અમરેલી સાસરે આવી. અમરેલી તો કવિતાની વેલી ! રમેશ પારેખનું રજવાડું ! કલમ ન સળવળે તો જ નવાઇ! ફરી વખત પગલું ઉપડવા ઊઠ્યું અને અટકી ગયું. સંસારની ઘટમાળમાં ગૂંથાઇ ગઇ.

વચ્ચે ૨૦ વરસનાં પ્રવાહો વહી ગયા. દીકરો યુવાન થયો, ઘરમાં ઇન્ટરનેટ આવ્યું, ઓરકુટ અને ફેસબૂક પણ આવ્યું.હા-ના કરતા હું પણ જોડાઇ. મારો ફાજલ સમય પસાર થવા લાગ્યો. કવિતા સાથે પુનઃસંધાન થયું. એક વર્ષ સુધી કલમે હિંમત ન કરી પણ…પછી લખવાનું શરું કર્યું અને એવું લાગ્યું જાણે સુગ્રથિત, સુંદર મરોડદાર અક્ષરે લખાયેલી, અરધી પરધી વંચાયેલી જીવનકિતાબમાં એક ગુલાબી પન્નું ખુલી ગયું.

અછાંદસ અને ગીત ગમે પણ પહેલેથીજ ગઝલ જ ગળે વળગી છે.રદીફ-કાફિયા જાતે જાતે શીખી. લઘુ-ગુરુ તો ભણવામાં જ આવ્યાં હતાં.અમદાવાદ ગઝલ શિબિરમાં જઇને ગઝલનાં છંદોલય શીખી આવી.જીતુભાઇ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ પુસ્તક સાથે રાખીને શબ્દને ગુરુ બનાવ્યા. લખતી ગઇ…શીખતી ગઇ.

મારા પતિ અને પરિવારનાં સહયોગથી , મિત્રોનાં પ્રોત્સાહનથી આજે ફરી એક વખત પગલું ઉપડવા જઇ રહ્યું છે..મંઝિલની દિશા તરફ.ત્યારે આપ સૌના આશીર્વાદ, શુભેચ્છા અને પ્રતિભાવ ઇચ્છુ છું.

—પારુલ હિતેશકુમાર ખખ્ખર

આ સાથે અમારા પુસ્તકમાં પ્રકાશિત થયેલી મારી રચનાઓ…

૧)ચોકડી મૂક્યા પછીની વાત છે,
આંગળી છૂટ્યા પછીની વાત છે.

થડ અડીખમ મૂળસોતું ગુમ થયું,
ડાળખી તૂટ્યા પછીની વાત છે.

લ્યો, હવે શું હારવું કે જીતવું !
કાંકરી ચૂક્યા પછીની વાત છે.

જણ અચાનક રણ થયો, કોને કહું?
લાગણી ખૂટ્યા પછીની વાત છે.

છે જણસમાં એક એનું નામ બસ,
ચીંથરી ખુલ્યા પછીની વાત છે.

સૂર થઇ પડઘાય છે એ આજ પણ,
વાંસળી ફૂંક્યા પછીની વાત છે.

ધૂળ સમ આ માન-અકરામો બધાં,
પાઘડી ઝૂક્યા પછીની વાત છે.

રાહમાં ખીંટી અને ઉંબર હજું,
ઓઢણી ઉડ્યા પછીની વાત છે.

–પારુલ ખખ્ખર

૨)તૂટ્યું-ફૂટ્યું જાય ઊંડા કાતરિયામાં,
ધક્કામુક્કી થાય ઊંડા કાતરિયામાં.

આંખો કાઢી યાદને રસ્તો દેખાડું,
હળવેથી સંતાય ઊંડા કાતરિયામાં.

તોડી નાંખ્યો તાર, તો અંદર પેસી ને,
ધીમા સાદે ગાય ઊંડા કાતરિયામાં.

આવી જા મેદાનમાં સ્વીકારી લે ને,
શા માટે મૂંઝાય ઊંડા કાતરિયામાં ?

ધસમસ વ્હેતા સાદની જ્યાં છાલક વાગે,
પત્થર પણ ભીંજાય ઊંડા કાતરિયામાં.

રેશમ જેવું પોત , ને ઉઝરડાં ઝાઝા,
જાતે જઇ સંધાય ઊંડા કાતરિયામાં.

ઉડવું હો તો બોલ, આનાકાની ના કર,
જો..પાંખો વિંઝાય ઊંડા કાતરિયામાં.

–પારુલ ખખ્ખર

૩)મામલો છેવટ લગીનો થાવા દે,
ના દવા કર, ઝખ્મ જૂનો થાવા દે.

છે અભાવોનું નગર ફંફોસી જો,
શ્વાસ ચોરી, એક ગૂનો થાવા દે.

એમ, ના રસ્તો બને સહેલાઇથી,
તોડ પત્થર, ને પસીનો થાવા દે.

છે હજું પાષાણ પણ થાશે ઝળહળ,
ઘાટ આપીને નગીનો થાવા દે.

ક્યાં સુધી તું જળકમળવત થઇ જીવે ?
એક ખૂણો આજ ભીનો થાવા દે.

શાંત કોલાહલ કરી જાજે અંદર,
ઓરડાને સાવ સૂનો થાવા દે.

જીવ ઊભો બારણે કર જોડીને,
ભક્ત કર યા તો કમીનો થાવા દે.

–પારુલ ખખ્ખર

૪)ઉઝરડાનું ગામ થશે,
પીડા કેરું ધામ થશે.

જેમ વધારે વિંધાશે,
જીણું નકશીકામ થશે.

સમજાવટથી મન સમજે,
બાંધ્યું તો બેફામ થશે.

જીતીશું તો પામીશું,
હારીશું તો નામ થશે.

પ્રેમ કરી મશહૂર થયા,
પ્રેમ થકી બદનામ થશે.

નબળી હો શરુઆત ભલે,
ધારે તે અંજામ થશે.

ઝળહળવા દે છેવટ લગ,
અંતે દીવો રામ થશે.

—પારુલ ખખ્ખર
૫)જરા અજવાસ કાજે ઘર જલાવો છો ભલા માણસ !
અને આવું કરી ખુદ ને બનાવો છો ભલા માણસ !

નથી અંધેર, થોડી દેર છે એની કચેરીમાં,
તમે ઉતાવળે આંબા પકાવો છો ભલા માણસ !

અરીસો ખોલશે ચોક્કસ તમારા ભેદભરમો ને,
નકાબોમાં રહી કોને છુપાવો છો ભલા માણસ !

ટકોરા મારતી આવી, અચાનક સાવ દરવાજે,
કરીને પૂછતાછો તક ભગાવો છો ભલા માણસ !

ન ઢીલો દોર દેવો, સાવ છે બગડેલ ઇચ્છાઓ,
બધું જાણો છતાં મોઢે ચડાવો છો ભલા માણસ !

અરે, એ ભાવના જોશે જરા, ને પીગળી જાશે,
ખુદાને ધકધમકી થી મનાવો છો ભલા માણસ !

કરો શંકા, ઉઠાવો આંગળી અસ્તિત્વ પર જેનાં,
વળી એનાં જ નામો ને વટાવો છો ભલા માણસ !

—પારુલ ખખ્ખર
૬)શમણાં રોપું લાવ, હથેળીનાં જંગલ માં,
ક્યાંથી ફુટ્યાં ઘાવ, હથેળીનાં જંગલ માં ?

અફવાઓ એનાં અંગે, પણ હું તો હું છું,
શોધો એને જાવ, હથેળીનાં જંગલ માં .

એનાં લશ્કર,ખંજર, બખ્તર, એની જીતો,
એનાં સઘળા દાવ, હથેળીનાં જંગલ માં .

પળ બે પળનો સથવારો થઇ ને આવી જા,
નોંધારી છું સાવ, હથેળીનાં જંગલ માં .

દરિયો છોડી અંજળ સાથે લમણાં લેતી,
ખોવાણી છે નાવ, હથેળીનાં જંગલ માં

રક્ષક વેશે ભક્ષક આવે એવાં ટાણે,
કોને કરવી રાવ, હથેળીનાં જંગલ માં !

શખ્સ હતો જે ચંદન જેવું આછું મ્હેંકે,
ઊંચા એનાં ભાવ , હથેળીનાં જંગલ માં .

—પારુલ ખખ્ખર

૭)એક સદીનો મનસૂબો લઇ ક્ષણને તોડું,
ધીરે ધીરે પથ્થર જેવા જણને તોડું.

દૂર ઘણી મંઝિલ ને રસ્તા વાંકા ચૂંકા,
જોર લગાવીને સઘળી અડચણને તોડું.

કામ નથી એક્કે એવું જે ના થઇ શકતું,
સૌથી પહેલા મસમોટા આ ‘ પણ ‘ને તોડું.

કોણ કહે છે કોમળતા એ નિર્બળતા છે ?
ચાલ કમળની દાંડી લઇ ને ઘણને તોડું.

જડશે જોજે સાવ અચાનક ઝળહળ જેવું,
લાવ હથોડી શ્રદ્ધા ની લઇ કણને તોડું

—પારુલ ખખ્ખર

૮)નિરંતર આ ચમકતી ધાર ઉપર ચાલ આપે,
દવા કે વૈદ ના આપે ને ખસ્તા હાલ આપે.

જતનથી સાચવો ને ,તો ય થાતા લાખ કટકાં,
જુઓ તો, સાવ તકલાદી ને પડતર માલ આપે.

આમારે છાંયડા, ટહુકા, વિસામા એ જ મૂડી,
ભલે આપે બરડ ડાળો, ને બરછટ છાલ આપે.

ગજબ નાં દાવ પેચો થી લડાવી ને મજા લે,
કદી બખ્તર, કદી તલવાર સંગે ઢાલ આપે.

વિવાદો થી, વિષાદો થી ભરેલા એ જ દિવસો,
નવા સપના લપેટી ને એ સાલોસાલ આપે.

‘અધૂરું ગીત છો ‘ કહી ને, સદા હાંસી ઉડાવે,
મનોમન ગણગણે પણ, સૂર કે ના તાલ આપે.

બધા રંગો સમાયા એક પીંછી નાં લસરકે,
ગુલાબી ગાલ આપી ને, એ આંખો લાલ આપે.

કરાવે સંગ કાગળ નો , પછી એકાંત દઇ ને,
કલમ ની વાંઝણી કોખે ગઝલ નો ફાલ આપે.

–પારુલ ખખ્ખર
૯)કદી ગાય છે ને કદી રણઝણે છે,
અખોવન કલમ આ ગઝલને જણે છે.

જરા દોષ જોઇ તરત આંખ કાઢે,
હરીફો ય ચુંટી કલમથી ખણે છે.

જુદો સાવ કક્કો, જુદા છે પલાખા,
જૂની આંખ ચશ્મા નવા લઇ ભણે છે.

ગળે કોણ લાગે તમારા નગરમાં,
મળે હાથ તો અંગળીને ગણે છે.

અહીં લોક ખાઇ દિલોમાં તો ખોદે,
સબંધો વચાળે ય ભીંતો ચણે છે.

ખીલી જાય ઘાવો ખુદાની મહેરથી,
કલમ આ દરદની ફસલને લણે છે.

અગમ ને નિગમનાં રહસ્યો ઉઘાડી,
શબદને કબીરો નિરંતર વણે છે.

—પારુલ ખખ્ખર

૧૦)આ યુધ્ધ માં પળ પળ જિતાઉં છું સતત,
હાર્યા પછી કૈ કૈ કમાઉ છું સતત.

ખોલો જરા, પૂછો જરા, કે કેમ છું,
હું દ્વાર ની માફક વસાઉ છું સતત.

કોમળ છતાં શૂળો વચાળે કેદ છું,
ઝાકળ પડે તો યે ઘવાઉ છું સતત.

આખર અરીસા માં ઝિલાયાં છળ બધા,
છાયા નિહાળી ને ડઘાઉ છું સતત

લઇ ને અબોલા આવ જા કર્યા કરું,
જો..શ્વાસ થઇ કેવી રિસાઉ છું સતત.

કરતા કરી બેસું હિસાબો કર્મનાં,
અંતે ગુનાઓથી લજાઉ છું સતત.

મિત્રો જ જાસા લઇ ફરે છે જ્યારથી,
જઇ ને નકાબો માં છુપાઉ છું સતત.

—પારુલ ખખ્ખર

2) ‘ મહોબ્બતનામા’

મિત્રો…
અમે થોડા મિત્રો એ પ્રેમનાં અલગ અલગ રંગોની વાત લઇને જુદા જુદા આર્ટીકલ્સ લખ્યા છે અને એ લેખમાળાને હવે ઇ-બૂક સ્વરુપે આપની સમક્ષ લાવ્યા છીએ. આશા છે આપને પસંદ આવશે. આ બૂકનાં સંપાદક નિખિલ શુક્લ છે હું પારુલ ખખ્ખર એમની સહાયક 🙂

૧) પી.ડી.એફ. સ્વરુપે અહિંથી ડાઉનલોડ કરી શકો છો.

Mahobbatnaamaa-May-2014-Saatatya

  1. Suresh Thakker

    saras.

  2. Congratulations and All the best!

  3. ખુબજ સુંદર રચનાઓ છે આપની.👌

Leave a comment