બંગલો માંગે સમારકામ

લાગ્યો લાગ્યો લૂણો સરકાર,

……………..કે બંગલો માંગે સમારકામ

છેક પાયેથી પાંગરતો ક્ષાર,

………………કે બંગલો માંગે સમારકામ.

ભેજ ભીંતેથી પ્હોંચિયો જાળિયે રે

સ્હેજ બારી ઠેકીને ચડ્યો માળિયે રે

વળી દાદરાનો લીધો આધાર,

……………..કે બંગલો માંગે સમારકામ

છેક પાયેથી પાંગરતો ક્ષાર,

………………કે બંગલો માંગે સમારકામ.

રોજ રેતી ખરે ને ખરે પોપડા રે

ભેજ કબ્જો કરે ને સડે ચોપડા રે

હવે બોલાવો કડિયા-સુથાર

……………..કે બંગલો માંગે સમારકામ

છેક પાયેથી પાંગરતો ક્ષાર,

………………કે બંગલો માંગે સમારકામ.

તમે ક્યાં લગ આ ગાબડાં ઢાંકશો રે

તમે ક્યાં લગ આ થિગડાં મારશો રે

હવે પાયેથી કરજો ઉદ્ધાર

……………..કે બંગલો માંગે સમારકામ

છેક પાયેથી પાંગરતો ક્ષાર,

………………કે બંગલો માંગે સમારકામ. (૧૧-૯-૨૦૨૦)

About Parul Khakhar

poet, writer

Posted on January 27, 2021, in ગુજરાતી ગીત. Bookmark the permalink. Leave a comment.

Leave a comment